All posts in Gujarati Blogs

સ્વર્ગ અને નરક

1 બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ , ” ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?” બાળકે કહ્યુ , ” પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”

ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા. બાળકે ભગવાનને પુછ્યુ , ” પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”

ભગવાને બાળકને કહ્યુ , ” બેટા , આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”

બાળકે દલીલ કરતા કહ્યુ , ” પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.” ભગવાને કહ્યુ , ” ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”

બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.

બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ , ” પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે. ‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને ‘ મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે.

બસ, આ જ પ્રેમ

એકવાર વાંચશો ને તો ચોક્ક્સ દીલ ખૂશ થઇ જશે…!!! મસ્ત પોસ્ટ,એકવાર તો અચૂક વાંચજો.

એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[૧] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, ૮ વર્ષ)

[૨] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ!’ – (બિલિ, ૪ વર્ષ)

[૩] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, ૬ વર્ષ)

[૪] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, ૪ વર્ષ)

[૫] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, ૭ વર્ષ.)

[૬] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, ૭ વર્ષ.)

[૭] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, ૭ વર્ષ.)

[૮] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, ૬ વર્ષ.)

[૯] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, ૬ વર્ષ.)

[૧૦] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, ૭ વર્ષ.)

[૧૧] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, ૪ વર્ષ.)

[૧૨] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, ૭ વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ?

હવે એક નાનકડી વાત.

પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’ ‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’

બસ, આ જ પ્રેમ…!!

સંબંધોની ભાંજગડ

હંમેશા મારી સાથે જ કેમ આવું થાય છે? હું લોકોના બધા વ્યવહાર સાચવું છું, એમના ખરાબ સમયે જઈને ઊભી રહું છું,કોઈનું ખરાબ ક્યારેય નથી વિચારતી,વળી પૈસે ટકે ધસાઇને પણ હું લોકોના સમય અને વ્યવહારો સાચવી લઊં છું. એમ છતાં હું કેમ લોકોને ખરાબ લાગું છું? મને મારા આ બધા સામાજીક- કાર્યનો સુયોગ્ય શિરપાવ કેમ નથી મળતો? અનહદ કાળજી, પ્રેમ, સમય બધું ય ખર્ચયા પછી પણ મારે લોકોની જોડે સંબંધો લાંબા સમય સુધી કેમ નથી ટકી શકતા? નથી જૂના- લોહીના સંબંધોમાં જોઈએ એટલી મીઠાશ કે નથી મળતી નવા નવા બાંધવામાં આવતા સંબંધોમાંથી શાંતિ. તો શું મારામાં જ કોઇ કમી હશે? મારો સ્વભાવ કચકચીયો,સમજશક્તિ કાચા કે સંબંધોમાં સામેવાળાની જોડેથી અપેક્ષાઓ વધારે? શું મારા સંબંધો લોકોની જવાબદારી બની જતા હશે જે એમનો જરુર કરતા વધુ સમય અને શક્તિ વેડફતા હશે? પણ મારા કરતા પણ ઓછા ‘ડેડીકેશન’ વાળી પેલી રાધાનો સંબંધ તો બધા જોડે કેટલો સરસ રહે છે? એનું ઘર કાયમ મહેમાનોથી ઉભરાયેલું જ હોય અને એને પણ વારંવાર સામાજીક અર્થે લોકોને ત્યાં જવાનું રહેતું જ હોય છે.આ સંબંધોના ચક્ર્વયૂહમાં ફ઼સાઈને હું ક્યાં ઊણી ઉતરું છું એ જ નથી સમજાતું .

આ હતી અતિસંવેદનશીલ પૂર્વીના મગજમાં ચાલતી રોજે રોજની વિચારોની ખેંચમતાણ. વિચારી વિચારીને માનસિક કસરત કરી કરીને મગજ અને શરીર બેય થાકીને લોથપોથ થઈ જતું.

હવે સાચું બોલજો,

’મારે જ કેમ લોકો સાથે સંબંધો બહુ નથી ટકતા?’ શું ભગવાને નિઃસ્વાર્થ, સાચા અને કાયમી સંબંધો બનાવવાના જ બંધ કરી દીધા છે કે?’

આ જ વિચાર તમારા મગજમાં પણ ક્યારેક ને કયારેક ઉદભવ્યો છે કે નહીં ?

‘પ્રેમ’ પછી કદાચ ‘સંબંધો’ ઉપર સૌથી વધારે લખાતું આવ્યું છે. આ બેય શબ્દો જેટલા સરળ છે આપણે માનવજાત એટલા જ એને ખોતરી ખોતરીને ભુક્કા બોલાવતા આવ્યાં છીએ, જટીલ બનાવતા આવ્યાં છીએ.

નવા-જૂના, પારદર્શક,અકળ, સરળ, મજબૂરીમાં નિભાવવા પડતા સામાજીક સંબંધો,લાગણીના,દુશ્મનીના,આડોશ-પાડોશના, પરપોટા જેવા, દરિયા જેવા, મૃગજળિયા, વાસ્તવિક, રોજ રસ્તે ચાલવા જતા કે બસમાં કે ટ્રેનમાં સાથે બેસનારાની જોડેના મિનિટના સંગાથના સંબંધો.. એક આખો ‘સંબંધકોશ’ બની શકે આનો તો. આના લિસ્ટનો કોઇ પાર નથી. ઓછું હોય એમ આ બધામાં આજકાલ એક નવો સંબંધ ઉમેરાયો છે ’નેટના સંબંધો’. એના વિશે લખવામાં તો પાછું બીજા દસ પાના ભરાય એટ્લે એ ચર્ચા અહીં જ રહેવા દઈએ.

અમુક માણસો સંબંધો બાંધવામાં બહુ ઉતાવળીયા હોય છે. ધીરજ નો ’ધ’ પણ એમનામાં નથી હોતો. સામેવાળાના વ્યક્તિત્વમાં એક પણ આકર્ષક, નવીનતમ પાસું દેખાય એટલે તરત એનાથી અંજાઈ જાય અને વિચારે,

’અરે, આ તો બહુ જ અલગ અને આકર્ષક વ્યક્તિ છે. આ તો મારા મિત્રવર્તુળમાં હોવો જ જોઈએ, એના આ અનોખા વ્યક્તિત્વની પાછળ રહસ્યોના શું ભંડાર દાટ્યાં છે એ પડ તો ઉખેળવા જ પડે, જાણવું જ પડે ‘

પછી ચાલુ થાય એની નજીક જવાની શક્ય એટલી કવાયતો. પણ સંબંધો બાંધવા જેટલા સહેલાં હોય છે એનાથી વધારે છે એને અઘરા સાચવવા, ઉછેરવા. એટલે જ,

‘સમાજમાંધીરજ વગરના અને ઉતાવળે બંધાયેલા સંબંધોના બાળમરણનો દર ખાસો એવો ઊંચો જોવા મળે છે’.

પણ એ અધીરીયા જીવો તો સંબંધોની આવી આવન જાવનથી ટેવાઈ ગયેલા હોય છે. ’તું નહીં ઓર સહી’વાળી કરીને એ ફ઼રીથી ઉપડે છે સમાજ નામના સરોવરમાં પોતાની મનગમતી, આકર્ષક માછલીઓ શોધવા. શાણા માણસો તો આવી જાળથી બચીને રહેવામાં જ ભલાઈ સમજે છે.

માણસ બહુ જ વિચિત્ર પ્રાણી છે. એને જે ના મળે એની પાછળ આંખો બંધ કરીને દોટ મૂકે છે, આકાશ પાતાળ એક કરી નાંખે છે. એમાં ને એમાં એની નજીકના સંબંધીઓને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ જ ગણી નાંખે છે.એની સામે સાવ જ દુર્લક્ષ સેવે છે. છેલ્લે પેલો આકર્ષક દેખાતો મનચાહેલ સંબંધ મેળવી લે છે ત્યારે ભાન પડે કે ઓહ…આમાં તો એની જોડે વર્ષોથી રહેતી, એને પૂરેપૂરી સમર્પિત વ્યકિતઓને એણે સાવ જ નેવે મૂકી દીધેલા. ઠીક મારા ભાઈ..કંઇક મેળવવા માટે કંઇક તો ગુમાવવું પડે..!! પણ આ નવો સરસ મજાનો આકર્ષક સંબંધ તો બંધાયો ને ચાલ રે મનવા, એનો નશો માણીએ..પણ જે માણસની વ્રુતિ આવી હોય એના માટે તો એ નવો સંબંધ પણ થોડા સમયમાં જ આકર્ષણવિહીન બની જાય છે. એ સંબંધમાં પણ ખરા ખોટાની ગણત્રીઓ કરતો થઈ જાય છે. પોતાની શારીરિક કે માનસિક સ્થિતી થોડી પણ ડામાડોળ થાય એટલે તરત યાદ આવે કે,

“અરે મેં એના માટે આટલો સમય,શક્તિ,પૈસા, કાળજીનો ભોગ આપ્યો છે તો હવે એનો વારો છે.”

એ પછી ચાલુ થઈ જાય અપેક્ષાઓના જાળાઓની ઊધેડબુન..એ ના સંતોષાય એટલે પોતાની લાગણી દુભાયાની તીવ્રતાના વિષચક્રો. જ્યારે હકીકતમાં સામેવાળો પક્ષ તો એની મનની આ બધી ભાંજગડથી લગભગ અજાણ જ હોય છે. એ બીજા કોઇ સંબંધોની સાચવણીના ચકકરોમાં પડ્યો હોય છે.

આવી પાયાવિહીન વાતોના મોટાભાગના મૂળિયા આપણા ‘સબકોન્શીયસ માઈન્ડ’માં જ પડ્યા હોય છે. જેનાથી દુનિયાના કોઇ જ વ્યક્તિને લેશમાત્ર પણ ફરક નથી પડતો. એ હકીકત સમજાય તો જીવનમાં બહુ બધા સંબંધોની આવરદા અને મીઠાશ કાયમ જળવાઈ રહે છે..બાકી સંબંધોમાં સાચવવું પડે કે મારું માન ના સચવાયું જેવા વિચારો સાવ જ મહત્વહીન છે. જ્યાં આવા વૈચારીક માન-અપમાનની લેતી દેતી થઈ ત્યાં સંબંધો પર ચોકડીઓ વાગી જીવનમાંથી કાયમ માટે એ સંબંધની બાદબાકી થઇ જ સમજો. સંબંધોમાં તમે જેટલા સરળ અને ઊદાર રહેશો એ એટલા જ સરસ રહેશે. હંમેશા કોઇના માટે કરી છૂટવાની નિઃસ્વાર્થ ભાવના રાખશો આપોઆપ એ સંબંધો વટવ્રુક્ષ બનીને સમયાંતરે તમને એના મીઠા ફળ આપતું જ રહેશે. હમણાં જ અનુભવેલ એક સત્ય ઘટના લખ્યા વગર રહી નથી શકાતું.

અમારા એક સંબંધીને ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ હતો. આજની કાળઝાળ મોંઘવારી, કમાનાર ફકત એક વ્યક્તિ અને દીકરીનો સાસરીપક્ષ પોતાનાથી થોડો વધારે પૈસાદાર. આ બધાના કારણે દીકરીના મા-બાપ છેલ્લાં છ મહિનાથી આ પ્રસંગ સારી અને સંતોષજનક રીતે પાર પડે એની દોડાદોડમાં હતાં. કંકોત્રીથી માંડીને દીકરીના કપડા-લત્તા, આભૂષણ,ઘરવખરીનો સામાન જેવી બધીય નાની નાની વાતોથી ઉભરાતા કાગળ પર લખાયેલ લિસ્ટ પર ચોકડીઓ મારવા જતા બીજું કોઇક કામ યાદ આવી જતા એ લિસ્ટમાં એનો ઊમેરો કરી દેતા. પરિણામે લિસ્ટ ધટવાને બદલે દિવસો દિવસ વધતું જ જતું હતું. આમંત્રિતોની યાદી, સંગીતસંધ્યા, મહેંદીની રસમ,બ્યુટી પાર્લર, જાનૈયાઓના ઊતારા માટેની યોગ્ય વ્યવસ્થા, મેરેજ હોલની, ડેકોરેશનની વ્યવસ્થા, ફોન કરી કરીને લોકોને એમને સોંપેલા કામો ફરી ફરીને યાદ કરાવવાના જેથી બધું સમયસર સમૂસુતરું પાર પડે જેવા કામો પતવાનું નામ જ નહોતા લેતા. છેલ્લે એ દિવસ આવી ગયો જેની આટલી ધમધોકાર તૈયારીઓ ચાલતી હતી. ગજા બહારની માનસિક, શારીરિક અને આર્થિક તાકાત ખર્ચીને કરાયેલ તૈયારીના ફલસ્વરુપે લગ્નની એક પછી એક વિધીઓ સુંદર રીતે પતવા માંડી. ત્યાં કો’ક જાનૈયાને વાંધો પડ્યો,

‘અરે, આટલી ગરમી છે અને આ બાજુનું એ.સી તો ચાલતું જ નથી. વળી તરસે અમારો જીવ જાય છે અને અમને ફકત એક વાર જ કોલ્ડ ડ્રીંક ધરવામાં આવ્યું. કલાક ઉપર થઈ ગયો..કોઇ આ બાજુ ફરકતું પણ નથી”

પત્યું..દીકરીના મા-બાપનો જીવ અધ્ધર. એક તો છેલ્લા ૪-૪ દિવસના સતત ઉજાગરાઓ કરીને કરાયેલ દોડાદોડ, સમયસર વિધિઓ સંકેલવાના ટેન્શનો અને વળી આર્થિક સંક્ડામણનો વારંવાર ગળે ભરડો લેતો અજગર. દીકરીની મમ્મી તો માંડ માંડ માંડવામાં વિધીમાં બેઠેલી હતી. એમાં આવી ઊગ્ર અવાજે થતી બૂમાબૂમથી એમનું પ્રેશર વધવા માંડ્યું. પરસેવાના રેલેરેલા દદડવા માંડ્યા. ત્યાં તો વરરાજા ચોરીમાંથી ઉભા થઈને બહાર આવ્યાં અને પોતાના પક્ષના એ સંબંધીને કહ્યું,

‘કાકા, આપણને આ લોકોએ એમના ગજા બહારની તાકાત ખર્ચીને સાચવ્યા છે એ અહીંનો નાનકડો છોકરો પણ સમજી શકે એવી હકીકત છે. વળી સંબંધોમાં આ બધું શું કે તમે અમારું માન સાચવ્યું કે ના સાચવ્યું? આપણે આપણું માન જાતે સાચવવાનું હોય છે.એને બીજાને હવાલે કરશો તો કાયમ બે કોડીનું જ થઈને રહેશે. વ્યવહાર એટલે શું વળી? એમણે આપણને પ્રેમથી બોલાવ્યા અને આપણે પૂર્વગ્રહો કે ખોટા દેખાડાના રીતિ-રિવાજોનો ધાબળો ફગાવીને આવ્યા..હસી ખુશીથી ગળે મળ્યાં અને કોઇ જ વાંધા વચકા વગર એમનો પ્રસંગ આપણો પોતાનો સમજીને હોંશભેર હાજર રહ્યાં..બસ. ! મને તો આ લગ્નની તૈયારીમાં કોઇ જ ખોટ કે ખામી નથી દેખાતી. જેને આવા ‘ખામીશોધ ચશ્મા’ પહેરવાનો શોખ હોય એ આરામથી પ્રસંગ છોડીને જઈ શકે છે. ચાલો પંડિતજી, વિધી આગળ ધપાવો.’

કન્યાના મા-બાપના દીકરીના ઉજ્જ્વળ ભવિષ્યના અંદેશા પળભરમાં દૂર થઇ ગયા. બધોય થાક પળભરમાં છૂ..દીકરાના મા-બાપનું મસ્તક પણ દીકરાની આવી સુંદર સમજણ અને મક્ક્મતા જોઈને ગર્વથી ઊંચુ થઈ ગયું અને કન્યા પણ પાનેતરની આડમાંથી ત્રાંસી નજરે જાહેરમાં પોતાના મા-બાપની ઇજ્જ્ત આમ સાચવી લેવા બદલ પતિદેવને આંખોથી જ ધન્યવાદ કહેતી રહી..

તો મિત્રો..સાચા સંબંધો આને કહેવાય. જે સાચવવાના ના હોય..જાતે સચવાઈ જતાં હોય છે. બાકી તો ‘તમારા નસીબનું કોઇ ક્યારેય લઈ નથી શકવાનું કે તમારા નસીબમાં જે નહીં હોય એ કયારેય આપી નથી શકવાનું.’ સંબંધોને ખોતરી ખોતરીને દરેક વાતોના કારણો અને એના અર્થ શોધવાના બદલે કે પોતાની જાતને કોસવાના બદલે બને એટલી સહજતાથી, પૂરી ઇજ્જ્ત સાથે સંબંધોની લિજ્જત મનથી માણો. પછી ક્યારેય તમને કોઈ સંબંધો તકલીફ નહી પહોચાડે.

સ્નેહા પટેલ – અક્ષિતારક.

Older Entries