ઘરડું શરીર

ઘરડું શરીર. કેટલી બિમારી ઘર કરી ગઈ હતી એ ખુદને જ ખબર હતી. છતાં…છતાં આ શરીર છોડવા મન ઈચ્છતું નહોતું. આખરે તો જીવ જ છે ને. કોઈ વસ્તુ આંખ સામે આવી જતા પાંપણ કેવી બંધ થઈ જાય છે! ભલેને મન ગમે એટલું નિર્મોહી હોય, શરીર ગમે એટલું દગાબાજ હોય…જીવ છુટતો જ નથી. બસ જીવવું જ છે. મનજી બસ આમજ જીવી રહ્યો હતો…બીજો કોઈ રસ્તો નહોતો. પણ જ્યારે ડૉક્ટરે ના પાડી દીધી તો મનજી ડરી ગયો. આટલો ડર તો ક્યારેય નહોતો લાગ્યો. મનજી પોતાના છોકરા ને બીજા સરકારી દવાખાને લઈ જવાની જીદ્દ કરવા લાગ્યો. છોકરો કંટાળ્યો હતો. એની વહુએ ડોળા કાઢવાના શરૂ કરી દીધા હતા. ઉપરથી પેલો ડર તો પાછળજ પડી ગયો હતો. ગમે ત્યારે આવીને ધ્રુજારી લાવી દેતો. રાતે ઉંઘમાંથી ઝબકીને જાગી જવાતું. જાણે ચાર જણ ઉંચકીને લઈ જતા હોય એમ પલંગ વર્તન કરતો જણાતો.

આટલી જીંદગી જીવી લીધા પછી પણ મોહ છે કે છૂટતો નહોતો, ખબર નહિ કેમ પણ જીવવું હતું. જીવવું જ હતું. સગાઓમાંથી એકાદ-બે સિવાય કોઈ ખબર કાઢવા આવ્યું નહિ ત્યારે તો ખુબ જ લાગી આવ્યું. જીંદગી તો ઠીક, પણ મોતનીયે આટલી જ કિંમત?  મનજી…નામ લેવાતું ત્યારે મન કેવા ઉછાળા મારતું! કેટલા પરાક્રમો કર્યા, શું શું ધાડ મારી હતી એ બધું યાદ આવી રહ્યું હતું. પણ હવે ઘરડા મનજી તરફ કોઈ બીજું જોતું નહોતું. અરે વાત સુધ્ધાં કરવાનો કોઈની પાસે સમય નહોતો. ઘણી વખત લાગતું કે પોતે જીવે છે એની કોઈનેય ખબર નથી, મનજી અદ્રશ્ય થઈ ગયો છે.

હવે તો મનજી કંટાળ્યો. મરવાનું જ છે ને! મરીશું પોતાની મરજીથી. વહેલી સવારે ઉઠી ગયો. ઠંડુ પાણી નહાવાતું નહોતું અને વહુ ગરમ પાણી કરી નહોતી આપતી. મનજીએ મોઢું ધોઈને અરીસામાં જોયું. કોઈ ડોસાનો ચહેરો દેખાયો. મૃત્યુથી ડરેલો. મનજી ખરેખર હસી પડ્યો! પોતાની જુવાનીનો ચહેરો યાદ પણ નહોતો. કેમકે જ્યારેથી એ ડોસો થવા લાગેલો ત્યારથી અરીસો વધારે જોવા લાગ્યો, અને એજ ચહેરો એને યાદ રહ્યો. સફેદ વાળ અને કરચલીઓ. બસ કરચલીઓ.  લાકડીના સહારે સવારે સાડા છ વાગે મનજી ચાલવા નીકળ્યો. વહુ એને જોઈને કંઈક બબડી. બગીચા તરફ ચાલતા ચાલતા એણે ચારેતરફ કે કોઈ એને જોઈજ નથી રહ્યું. અજીબ છે! કેટલા મહિનાઓ પછી પોતે આટલે દુર આવ્યો છે, છેક નાકે…છતાં કોઈને કંઈ જ પડી નથી! પછી હસ્યો પોતે જુવાન હતો ત્યારે કયા બુઢ્ઢા જોડે બે મિનિટ વાતો કરી હતી!

સવારની પહોરમાં મોતનો ડર બહુ ફીક્કો લાગી રહ્યો હતો. પણ મનજીને એના એક દોસ્તનું મૃત્યુ યાદ આવી ગયું જે આવી જ સવારે થયું હતું, અને મનજી માટે જાણે પાછી રાત પડી ગઈ હોય એમ ભારે નિશ્વાસ નંખાઈ ગયો. એને કોકનો ધક્કો વાગ્યો અને દોડીને જતા એ યુવાનની પીઠ માત્ર મનજી જોઈ શક્યો. જીન્સ અને બ્લેક જેકેટ. "એ ડોહા, સાઈડમાં મર." કરતાકને એક બીજો યુવાન એને ખભે અથડાઈને પેલા પાછળ દોડ્યો. પહેલો યુવાન ગલીની દીવાલ કુદી ગયો અને પાછળ પેલો બીજો પણ કુદી ગયો. મનજીને લાગ્યું કે કંઈક મારામારી, ઝગડા જેવું હતું. હશે કંઈ. પણ મનજીનો કોઈએ ડોસા કીધાની કડવાશ આખો દિવસ મનમાં જ રહી.

બીજી સવારે મનજી ધીમે ધીમે બગીચે પહોચ્યો. એક ખાલી બાકડે બેઠો, પોતાના ચશ્મા કાઢીને સાફ કરી રહ્યો હતો કે કોકના આવવાનો એક અવાજ સંભળાયો. મનજી ચશ્મા પહેરે એની પહેલા…"સાલા બુઢ્ઢા કાલે તારા લીધે પેલો બચી ગ્યો, તું વચ્ચે ના મર્યો હોત તો પેલો પકડાઈ જાત" બરાડીને ગઈકાલવાળો યુવાન ચાલતો થયો. મનજી જલ્દી જલ્દી ચશ્મા પહેરીને પેલા યુવાનની પીઠ જોઈ રહ્યો
( ક્રમશઃ ) 

Leave a Reply

You must be logged in to post a comment.