પ્રેમ

રાજકોટ સ્ટેશન પાસે ઊભેલી ટુ બાય ટુ લકઝરી બસમાં હું ચડી તો ગયો પણ બસમાં ક્યાંક બેસવાની જગ્યા જોવા ન મળી. ભાવનગર સુધી ઊભા ઊભા જવું તો પોસાય નહીં એટલે નિરાશ થઈ હું નીચે ઊતરવા જતો હતો. ત્યાં પાછળની તરફ બે ની સીટમાં એક જગ્યા ખાલી જોઈ. બારી પાસે ગોગલ્સ પહેરીને એક સ્માર્ટ યુવતી બેઠી હતી. કદાચ કોઈની જગ્યા રાખીને રાહ જોતી બેઠી હોય, પણ છતાંય પૂછી જોઉં, એ જ ઠીક રહેશે. કેમ કે ટિકિટ કોઈને અપાઈ ન હતી. વધારાની બસ મુકાઈ હોવાથી ટ્રાવેલ્સ ઑફિસનાં કાઉન્ટર પર બેસેલ માણસે સૌને કહેલું કે ‘પહેલા બસમાં બેસી જાઓ, ટિકિટ પછી અમારો માણસ આવીને કાપી જશે.’
‘અહીં કોઈ આવવાનું છે….મિસ…?’ એ યુવતીને મેં પૂછ્યું. બારી બહાર કોઈની સાથે વાતો કરતો એ ખૂબસૂરત ચહેરો મારી સામે ફર્યો. અપારદર્શક ડાર્કબ્લેક ગ્લાસથી મઢેલા ગોગલ્સ ની અંદર ન દેખાતી આંખો જાણે મને પગથી માથા સુધી નિરખી રહી હોય એવું લાગ્યું, પછી હળવા મલકાટ સાથે કહ્યું, ‘ના, બેસો.’
હાશકારો અનુભવતો હું મારો સામાન એક બાજુ મૂકી તેની પડખે બેઠો. મારા ‘થેન્ક્સ’ નો હસીને ઉત્તર આપી એ યુવતી ફરી બારી બહાર કોઈ આધેડ સ્ત્રી સાથે વાતો કરવા લાગી. એ સ્ત્રીની વાતો પરથી મને લાગ્યું કે તે આને મૂકવા જ આવી હશે, તે કહેતી હતી, ‘છેક ભાવનગર સુધી જવાનું છે, તો સાચવીને જજે, વચ્ચે ક્યાંય ઊતરતી નહીં, આજે કોઈ સથવારોય નથી. હું હમણાં ફોન કરી દઈશ. મોટા કાકા તેડવા સામે આવશે. તું ચિંતા કરતી નહીં, સંભાળીને જજે, બેટા ! એસ.ટી મળી ગઈ હોત તો સારું થાત, ઠીક ત્યારે થોડું ટિકિટભાડું આમ કે આમ, બસ ત્યારે ચાલ, આવજે હવે, હું જાઉં છું !’
બાળકો મોટા થાય, ગમે તેટલા સ્માર્ટ-હોંશિયાર હોય તો પણ મોટાભાગનાં વડીલો આમ જ શિખામણ આપ્યે રાખતા હોય છે. એમની વાતો પરથી મને ઘણું ખરું એવું સમજાયું કે આ રૂપાળો સંગાથ છેક ભાવનગર સુધીનો અને વળી તદ્દન એકલો જ છે. અગાઉ ક્યારેય મારી સાથે ખાસ કંઈ આવું બન્યું નહોતું એટલે મનમાં વિશેષ રોમાંચ થઈ રહ્યો હતો.
પેલી સ્ત્રી ચાલી ગયા પછી યુવતીએ મારા તરફ જોઈ સહેજ હસી લીધું એટલે સંપર્ક વધારવાની એ તક મેં ઝડપી લીધી. ‘તમારાં બા હતાં ?’
‘ના. ફોઈબા હતા. અહિ રાજકોટમાં એકલાં જ રહે છે. ગયે અઠવાડિયે તેઓ મને પોતાની સાથે અહિ થોડા દિવસ રહેવા લઈ આવ્યા હતાં. તેઓ અન્ય જરૂરી કામકાજને લીધે મને મૂકવા આવી શકે તેમ નથી, અને મારે હવે કૉલેજની પરિક્ષા ચાલુ થવાની છે એટલે શું થાય ? એકલા જ જવું પડે ને ? વેલ, તમે ક્યાં સુધી ?’
એક અજાણી ખૂબસૂરત છોકરી મારા જેવા એક સામાન્ય અજાણ્યા યુવકનાં સાધારણ સવાલનાં જવાબમાં આટલી નિખાલસતાથી, સહજભાવથી, આટલી સરળતાથી પોતાના મૃદુ સ્વરે હસીને, વિગતે માંડીને વાત કરવા લાગે એ મારા માટે કીડીને મણ બરાબર લાગતું હતું !
‘જ્યાં તમે જાવ છો ત્યાં જ ભાવનગર…!’ મેં કહ્યું, એટલે તે એકદમ ખડખડાટ હસી પડી, ‘વાહ, સારું ત્યારે !’
વાતનો દોર આગળ ચલાવવો હતો પણ ત્યાં ટિકિટ આપનાર માણસ નજીક આવી ગયો હતો એટલે મેં તેને પૈસા આપી કહ્યું, ‘ભાવનગર…એક’ પછી યુવતી સામે જોઈ ભૂલ સુધારીને બોલી ગયો, ‘તમારી ટિકિટ પણ લઈ જ લઉં છું….. બે આપજો !’
પેલા માણસે ટિકિટ આપતાં કહ્યું, ‘તમેય શું ભલા માણસ, બસમાંય મજાક કરો છો ? મારા બેન સાથે હોય તો તેમની ટિકિટ તમારે જ લેવાની હોય ને ? કહીને હસતો હસતો એ આગળ ચાલ્યો ગયો. એને થયેલી ગેરસમજ મને તો મીઠી લાગી પણ આ યુવતીને ગમી કે નહિ તે જોવા મેં તેના ચહેરા સામે જોયું. તેના ચહેરા પર કોઈ કરડાકી કે અણગમો નહોતો, બલ્કે શરમથી લાલઘૂમ થયેલ ચહેરા પર આછેરું સ્મિત હતું, મતલબ પેલાને થયેલી ગેરસમજ તેને પણ ગમી જ હશે એમ સમજાયું !
‘હું તમને હમણાં પૈસા આપી દઈશ.’ તેણે કહ્યું. એટલે મેં ઔપચારિકતા દાખવી, ‘કોઈ ઉતાવળ નથી, ભાવનગર સુધી સાથે જ છીએ ને !’
બસ હવે ઉપડી હતી. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી જતી હતી.
બારી બહારથી આવતો પવન મારી બાજુમાં બેસેલી યુવતીનાં આકર્ષક કેશગૂંથનને વેરવિખેર કરવામાં વ્યસ્ત હતો. એને લીધે એ કદાચ વધારે સુંદર લાગતી હતી. અચાનક હવે જ ખાસ તો મારું ધ્યાન તેનાં સૌંદર્ય પર ગયું હતું. ઘેરા આકાશી કલરનાં એના સલવાર-કમીઝ પર એ જ રંગનું શાર્પ ભરતકામ ક્યાંક ક્યાંક કરેલું હતું. મને ઊડીને વારંવાર અથડાતો-રોમાંચિત કરતો દુપટ્ટો પણ એવા જ મેચીંગ રંગમાં હતો. હાથ-પગમાં કાંઈ પહેર્યું નહોતું. કાનમાં પાતળી સેરવાળા ઝુમ્મર પહેર્યા હતા. ગોલ્ડન ફ્રેમવાળા કાળા ગોગલ્સ તેની સુંદરતામાં અને સ્માર્ટનેસમાં ઘણો વધારો કરતાં હતાં. અલબત્ત ચશ્માને લીધે તેની આંખોનું સૌંદર્ય માણી શકાતું નહોતું. એ વાતનું મને દુ:ખ પણ હતું. પણ ગમે તેમ હોય હું તેના તરફ હવે આકર્ષાયો હતો એ વાત તો ચોક્કસ !
મૌન તોડવા માટે મેં એને ફરી એક સવાલ કર્યો, ‘તમારું નામ તો તમે જણાવ્યું નહિ, વેલ, શરૂઆત હું જ કરું, મારું નામ પ્રકાશ છે, તમારું ?’
‘નિશા…નિશા મારું નામ છે. ભાવનગર એસ.એન.ડી.ટી. યુનિ નાં થર્ડ યરમાં છું. સ્ટેશન નજીક જ રહું છું. ભાવનગર ઊતરીને મારું એડ્રેસ આપીશ. અને હા, મારે તમને ટિકિટનાં પૈસાય આપવાના જ છે ને… ત્યારે યાદ કરાવજો, કોઈકવાર ઘેર આવશો તો ગમશે.’
દરેક વાતને વિસ્તારથી જણાવવાની એની આદત હોય એવું લાગ્યું. એ આદત મને ગમે જ ને ! તેથી એ જ રીતે વાત ચાલુ રાખવા મારી વાત મેં શરૂ કરી.
‘હું પણ ભાવનગર જ રહું છું. અહીં એક ઈન્ટરર્વ્યુ આપવા આવ્યો હતો. પણ મજા ન આવી. ઈન્ટર્વ્યુ એકદમ ખરાબ રહ્યો એટલે મૂડ નહોતો. તમારી જેમ વળી અધૂરામાં પૂરું હું પણ એસ.ટી. ચૂકી ગયો, ત્યાં આ લકઝરી મળી ગઈ, ને તમે મળ્યા તે સારું થયું, તમારી કંપનીમાં થોડો મૂડ આવ્યો.’
‘તમારો મજાક કરવાનો અંદાજ કંઈક ઓર જ છે, આઈ લાઈક ઈટ !’ નિશાએ આનંદથી મારા વખાણ કર્યા એટલે હું જરા વધુ પોરસાયો !
એક મોંઘા રેસ્ટોરન્ટ પર થોડા સમય માટે હોલ્ટ કરવા બસ ઊભી રહી. પ્રવાસીઓ નીચે ઊતરવા લાગ્યા એટલે મેં પણ નિશાને કહ્યું, ‘ચાલો, જરા ચા-નાસ્તો કરી લઈએ.’
‘ના.’ તેણે કહ્યું ‘મારે નીચે નથી આવવું.’
‘કેમ ?’ મેં પૂછ્યું, ‘એમાં શું ?’
મારા આગ્રહને લીધે તેણે કહ્યું, ‘તો પછી એમ કરો, અહીં જ જરા હળવો નાસ્તો લઈ આવોને, સાથે જ ખાઈશું.’
‘સ્યોર…’ કહીને રાજી થતો હું નાસ્તો લેવા નીચે ઊતરી ગયો. થોડી ગરમ જલેબી અને એક વેફરનું પેકેટ લઈ આવ્યો. બંને સીટની વચ્ચે રાખીને ખાવાનું શરૂ કર્યું. નાસ્તો કરતાં-કરતાં વચ્ચે વચ્ચે એનો હાથ મારા હાથ સાથે અથડાઈ જતો ત્યારે શરીરમાં તીવ્ર રોમાંચ વ્યાપી જતો હતો. મને ખ્યાલ આવી જ ગયો હતો કે એ જાણી જોઈને જ મારી સાથે હાથ અથડાવે છે. બસની અંદર ખાસ મુસાફરો નહોતા એટલે પેકેટમાંથી વેફર લેવા જતાં અજાણતાં જ એનો હાથ મારા હાથમાં આવી ગયો હોય તેમ મેં પૂરી હિંમતથી પૂરતી પૂર્વ તૈયારી સાથે જાણી જોઈને એનો હાથ પકડી લીધો.
‘તમે પણ….’ કહેતા શરમાઈને એણે પોતાનો હાથ છોડાવી લીધો. બારીમાંથી મંગાવીને ચા પીધા પછી થોડીવારે ફરી બસ હાઈવે ઉપર દોડવા લાગી હતી. મારા મનની અંદર ફૂટી નીકળેલા પ્રેમનાં અંકુરો હવે યોગ્ય તક મળવાની બેચેનીથી રાહ જોતા હતાં. બસમાં વિડિયો ચાલુ કર્યો હતો પણ મને કે નિશાને પણ એ તરફ જોવાની જાણે જરાય ફૂરસત જ નહોતી.
એક હળવા બમ્પમાં સહેજ પગ અથડાયો તેથી નિશાએ સસ્મિત સામે જોયું, પછી થોડી દ્રઢતાથી પૂછવા ગઈ, ‘તમે મને….’ ‘ચાહું છું !’ મેં બેધડક કહી નાંખ્યું ! હું આ અવસર ગુમાવવા માંગતો નહોતો, ‘હા નિશા, તમે મને ગમો છો, હું તમને ચાહું છું !’ ‘ઓહ…’ તેનાં મોંએથી માત્ર ઉદ્દગાર જ નીકળ્યો. તેનાં ચહેરા પર ગોલ્ડન ફ્રેમની સોનેરી લકીરો આમતેમ આનંદથી દોડવા લાગી હતી એ મેં જોયું !
થોડીવાર, એમને એમ પસાર થઈ, કોઈ બોલ્યું નહિ. બસનો ઘોંઘાટ પણ જાણે શાંત પડી ગયો હતો ! બસની ગતિ કરતા પણ વધારે ઝડપથી મારા વિચારો આનંદિત થઈ દોડતાં હતાં. પછી અચાનક નિશાએ મારો હાથ પકડી પોતાની સામે જોવા ઈશારો કર્યો, મેં તેની સામે જોયું, મારો હાથ સહેજ મૃદુતાથી દબાવી એણે એકદમ ગંભીર અને સંવેદન સ્વરે સીધો જ સવાલ કર્યો, ‘તમે…તમે મારી સાથે લગ્ન કરશો ?’
મને થયું બસના અવાજમાં આવા મોહક પ્રશ્નનો પડધો ક્યાંય સુધી પડ્યા કરે તો કેવું સારું !
મેં તેનાં ગંભીર ખૂબસૂરત ચહેરા પર ગોઠવાયેલા ગોગલ્સની આરપાર તેની સુંદર આંખોના સૌંદર્યને પાર કરવ કોશિશ કરતાં ડોકું ધુણાવવા ગયો ત્યાં એણે કહ્યું, ‘જુઓ, એમ ડોકૂં ધૂણાવ્યે કેમ ખબર પડે ? હા કે ના બોલો…જલદી…!’
તેનો આ છણકો મને ખૂબ ગમ્યો. મેં હા પાડ્યા પછી તે બારી બહાર જોવા લાગી. મને પણ પછી કંઈ બોલવાનું સૂઝ્યું નહિ તેથી ચૂપ થઈ બેઠો.
ભાવનગર આવ્યું ત્યાં સુધી કંઈ વાત કરવાનું સૂઝ્યું જ નહિ. બસ ઊભી રહી એટલે અમે બંને સામાન લઈ ઊભા થયા. ત્યારે મારાથી અચાનક જ તેનો હાથ પકડી લેવાયો ! એમ જ બસમાંથી નીચે ઊતર્યા પછી બીજા મુસાફરો સામુ જુએ છે, એવો ખ્યાલ આવતાં મેં તેનો હાથ મૂકી દીધો. નિશાને કંઈક યાદ આવતા તેણે મને કહ્યું, ‘મારી સાથે એક લાકડી હતી, કદાચ સીટ નીચે જ રહી ગઈ છે, જરા લાવી આપશો ?’
હું પાછો બસમાં ગયો. સીટ નીચેથી લાકડી કાઢી અને જાણે જીવતો સર્પ હાથમાં આવી ગયો હોય તેવી તીવ્ર ઝણઝણાટી શરીરને ધ્રુજાવતી ગઈ. હોકી આકારની, વળાંકવાળા લાલરંગનાં છેડાવાળી, એ સફેદ લાકડીની ઉપરની બાજુએ એક ઘંટડી હતી….!
હૃદય ઉપર કાચકાગળ ઘસાઈ રહ્યો હોય એવું લાગ્યું. અંદર બંધાયેલો વાસનાનાં પત્તાનો મહેલ તૂટી પડ્યો. ફૂટેલા બીજાંકુરો ક્યાં ગયાં એની ખબર ન રહી. અણુએ અણુમાં વ્યાપેલો અનુભવાતો પ્રેમ ક્યાં ગયો તેનીયે ખબર રહી નહીં ! ક્ષણોમાં જ કેટલાય વિચારો ફરી વળ્યા. સ્વાર્થી સમજણ ઉપસી આવી….
નીચે ઊતરી ટિકિટનાં પૈસા લેવાની પરવા કર્યા વિના, લાકડી નિશાનાં હાથમાં થમાવીને તેની નજર ચુકાવીને….
ઓહ…. નજર ચુકાવવાનીયે ક્યાં જરૂર હતી ? એમ જ ભાગી છૂટ્યો, એ બીકે કે રખે ને એ ટિકિટનાં પૈસા આપવાનાં બહાને પોતાનું એડ્રેસ પણ આપે અને વળી પાછું પૂછે કે,
‘તમે મારી સાથે લગ્ન કરશો….???’

-અજય ઓઝા

Leave a Reply

You must be logged in to post a comment.