કમલ….એક સત્યકથા-સરયૂ પરીખ

 

હું એ દિવસે કમલજીત કૌરને મળવા જતી હતી. કમલ, ઘરનાં ત્રાસથી બચવા, સ્ત્રી આશ્રય ગૃહમાં રહેવા આવી હતી. એ મને દ્વાર પાસે મળી. સાદા સલવાર-કમીઝ પહેરેલા હતા, પણ એને જોતા જ મને થયું, “જાણે કોઈ ફીલ્મની અભિનેત્રી અહીં સામાન્ય પાત્ર ભજવવા આવી છે.” હું એને અંગ્રેજી શીખવવા અને દુખાયેલી લાગણીને સાંત્વના આપવા આવી હતી. એ પેન અને કાગળ લઈને તૈયાર હતી પણ પહેલી રૂકાવટ એ આવી કે એને હિન્દી ખાસ નહોતુ આવડતુ અને મને પંજાબી નહોતુ આવડતુ. ત્રણ ભાષાના વર્તુળમાં અમે હસીને લાંબા પ્રવાસની શરુઆત કરી. સૌથી મજાની વાત એ હતી કે મારા સહ કાર્યકર અને કમલના મુખ્ય મદદગાર ચારુશી, આફ્રીકામાં રહેલા હોવાથી ગુજરાતી હિન્દી ભેળવીને બોલતા. પણ થોડા પરિચયમાં જ ચારૂશી કમલના વિશ્વાસુ ‘આન્ટી’ હંમેશને માટે બની ગયેલા.

ચારુશીએ, અમારા ઘરત્રાસથી બચવા મથતી એશીયન સ્ત્રીઓને મદદ કરતી સંસ્થાની બેઠકમાં, કમલજીતની કહાણી બે દિવસ પહેલા કહી સંભળાવી હતી. કમલ પંજાબના ગામમાં સારા ઘરમાં ઉછરેલી. દેખાવડી હોવાથી સારો વર મળી જશે એ કલ્પનામાં ભણતર પર ઓછુ ધ્યાન આપેલ. ચોવીશ વર્ષની ઉંમર થઈ જતાં ઘરમાં બધાને ચિંતા થવા લાગેલી. એમાં અમેરિકાથી માગું આવ્યુ. ઉમેદવાર ખાસ ભણેલો નથી, ભાઈના ધંધામાં નોકરી કરે છે. કમલને ઠીક ન લાગ્યો, છતાં પણ “અમેરિકા જવા મળશે અને ત્યાં તો બધા પૈસાદાર હોય…ના પાડવાની શક્યતા જ નથી.” વગેરે સમજાવટ સાથે બલખાર સિંઘ સાથે ધામધુમથી લગ્ન લેવાયા.

કમલના સંસારની શરુઆત એક એપાર્ટમેન્ટમાં પતિ, જેઠ-જેઠાણી અને તેના ત્રણ બાળકો સાથે, ટેક્સાસ, યુ.સ.એ.માં થઈ. કુટુંબી જનો સાથે રહેવામાં એને જરાય વાંધો નહોતો પણ પતિની કનડગત સમય સાથે વધતી રહી. પહેલા ત્રણ વર્ષમાં બે દીકરીઓની માતા બની ગઈ. એના હસમુખા સ્વભાવથી બને તેટલી વ્યથા છુપાવતી. સાથે જેઠની તેર વર્ષની દીકરી પાસે નવુ શીખી રહી હતી. ફોન પર વાતચિત, ૯૧૧ નંબર થી કેવી રીતે મદદ મેળવવી અને ખરીદી કરવી વગેરે, જાણી લીધેલ.

જેઠના નવા મોટા બંગલામાં બધાં રહેવા ગયા. અમેરિકામાં આવ્યે અને ગ્રીન કાર્ડ મળ્યે લગભગ સાડાચાર વર્ષ થયા હતાં અને ત્રીજા બાળકની મા બનવાની હતી. એના શરીર પર નીશાનીઓ બલખારના જુલમની ચાડીઓ ખાતી પણ કોણ બચાવે? જેઠ-જેઠાણીની સલાહ એ જડ અને વિફરેલ બલખારને અસર નહોતી કરતી. ઘણા કુટુંબોમાં સ્ત્રીઓને ધણી ગમે તે રીતે રાખી શકે એ સ્વાભાવિક રીતે સ્વીકાર્ય હોય છે. તેથી ઘણી ગેરવર્તન તરફ આંખ આડા કાન કરવામાં આવતા. જેઠનુ ગુરુદ્વારામાં નામ મોટું છતાં ય, મુખ્ય વ્યક્તિને કાને કમલ પર થતાં જુલમની વાત આવતા બલખારને ચેતવણી આપી હતી.

પુત્ર જન્મનો આનંદ લાંબો ન ટક્યો. દીકરો હજી બે મહિનાનો જ હતો અને એ રવિવારની બપોરે ઘરમાં કમલ, બલખાર અને બાળકો જ હતા. જરા પીધેલ બલખારે કમલ પર જબરજસ્તી આદરી. કમલના વિરોધ પર એને મારી અને પોતાનુ ધાર્યુ કરી ઉંઘી ગયો. કમલ મ્હાણ ઉભી થઈ અને રડતાં બાળકોના અવાજને જોરે હિંમત એકઠી કરી ફોન ઉઠાવી બારણાં બહાર જઈ ૯૧૧ નંબર જોડ્યો. પોલીસની રાહ જોતી ધ્રુજતી બારણાં પાસે ઉભી રહી. પોલીસના રક્ષણ નીચે ત્રણે બાળકોને લઈને ઘરની બહાર નીકળી ગઈ. એની પરિસ્થિતિ વિષે તપાસ લખાણ કરતા રાતના આઠેક વાગ્યાનુ અંધારુ થઈ ગયું. એને કહેવામાં આવ્યુ કે, ‘તને “શેલ્ટર”માં લઈ જશે.’ એને અનેક પ્રશ્નો સતાવે, “શું જગ્યા હશે?” લાંબો અંધારો રસ્તો જાણે ખુટતો જ નહોતો. ત્રણે બાળકોને પકડીને મોટી આંખોથી, “ક્યાં લઈ જાય છે?” એનો તાગ કાઢવાનો વ્યાકુળતાથી પ્રયત્ન કરતી રહી. અંતે શાંત જગ્યામાં, નામ નિશાન વગરના મકાનમાં બે ચાર લાલ બટન દબાવી, બે બારણા પાર કરી કમલને બાળકો સાથે અંદર લઈ ગયા. બે બહેનોએ એને હસીને અંદર બોલાવી ત્યારે એણે ફરી શ્વાસ લીધો અને આંખોમાં આંસુના મોતી ચમક્યા. રાત સરખી વ્યવસ્થા સાથે પસાર થઈ ગઈ પણ ભાંગીતુટી અંગ્રેજીથી હકિકત જાણવી ત્યાંનાં કર્મચારીઓ માટે અશક્ય હતુ. સવારમાં અમારી સંસ્થા પર ફોન આવ્યો અને ચારુશી મદદ માટે પંહોચી ગયા. પોતાના દેશના પ્રેમાળ અને હોંશિયાર બહેન પાંસે એણે વિશ્વાસથી વાત કરી. પોલીસ અમલદારને સાથે લઈ જઈ કમલનો જરૂરી સામાન અને ઘરેણાં એના ઘેરથી લઈ આવ્યા.
કમલ શાકાહારી હતી અને એની બીજી ખાસ જરૂરિયાતો સ્નેહપૂર્વક પુરી પાડવામાં આવી કારણકે દરેક સાથે એનો વ્યવહાર પ્રેમાળ હતો. ચારુશી લગભગ દરેક વખતે અને હું ક્યારેક, એને માટે પરોઠા વગેરે બનાવીને લઈ જતાં.

અમારો મુલાકાતનો સમય આંસુ અને હાસ્યથી તરબતર હતો. એક દિવસ એના પતિએ કરેલી ક્રૂર મશ્કરીની વાત કહેલી. એમના ઘરમા એક જુની તલવાર હતી. કમલ પોતાના અને જેઠના બાળકો સાથે બહારના રૂમમાં હતી ત્યાં ઓચિંતા જ બલખાર તલવાર લઈને કમલ પાછળ આવ્યો. એનો ઈરાદો ખબર ન પડતા, કમલ દોડી પણ એને પકડી ટેબલ પર નમાવી તલવાર ગળા પાસે ધરી. કમલ કહે, “મને થયું કે મને મારી નાખશે!” બાળકો બુમો પાડતા હતા. અંતે છોડી, કમલની માનહાનિ પર હસતો હસતો જતો રહ્યો.

કમલને મેં પૈસાના સિક્કાઓનો બરાબર પરિચય કરાવ્યો કારણ એને પૈસા આપવામાં નહોતા આવતા. એ ખરીદી કરવા ઘરનાની સાથે જાય ત્યારે સારી પર્સ લઈને જતી. એક દિવસ શોપીંગ કાર્ટમાંથી કોઈ પર્સ ઉપાડી ગયું. આસપાસના લોકો ગભરાયા પણ કમલ, “બીચારાને એક ડાયપર સિવાય કશુ નહીં મળે,” એ વિચારથી હસવા માંડી.

આશ્રયગૃહમાં આવ્યાને ત્રણ અઠવાડીયામાં જ અરધી રાતે એના દીકરાની તબિયત બગડતાં એક કર્મચારી સાથે બાળકને હોસ્પીટલ લઈ ગઈ અને સ્વસ્થતાપૂર્વક પરિસ્થિતિ સંભાળી. સંસ્થાના ત્રસ્ત સભ્યોના ખર્ચની વ્યવસ્થા ગવર્નમેન્ટની મદદ અને સંસ્થાના ભંડોળથી થતી હોય છે. આશ્રયગૃહમાં રહેવાના સમયની પાબંધી હોય છે પણ કમલ માટે બધાને વિશિષ્ટ સહાનુભૂતિ હતી. તે પહેલા આઠ મહિના અને પછી બે મહિના રહી. જન્મદિવસો અને દિવાળી અજનબી પણ સહાનુભૂતિવાળા લોકો વચ્ચે ઉજવાયા.

જેઠાણી ફોન પર એને પાછી આવી જવા સમજાવતી કારણકે ઘરની આબરૂનો સવાલ હતો. કમલના જેઠ અને ગુરુદ્વારાના મુખ્ય માણસો સાથે વાટાઘાટ કરી કમલને પાછી વ્યવસ્થિત જીવનમાં ગોઠવવા, અરે! રાતના દસ વાગે મળવા અને ચર્ચા કરવા બોલાવે તો પણ જઈને, સુલેહ કરાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આ બાજુ સરકારી વકીલની મદદથી કમલ અને બાળકોની સલામતીની તકેદારી લેવાતી હોવા છતાં પણ કમલની બીક ઓછી નહોતી થતી. કામ માટે હું બહાર લઈ જાઉં ત્યારે સતત ચારે બાજુ જોતી રહે અને જરા પણ પતિની કાર જેવી કાર દેખાતા મોં છુપાવી દેતી.

કોર્ટના દિવસે અમે બે સહકાર્યકરો ચારૂશી અને કમલની રાહ જોતા ઉભા હતાં. ત્યાં બે ભાઈઓ એ જ જજ વિષે અમને હિંદુસ્તાની જાણી પૃચ્છા કરતા હતાં. અમને ખબર પડી ગઈ કે શીખ પાઘડીમાં મોટો ભાઈ અને જીન્સના પેન્ટ અને જેકેટમાં હીરો!, બલખાર છે. ચારુશી એકલા આવ્યા કારણ કે કમલ વકીલની ઓફીસ છોડી કોર્ટમાં આવવા તૈયાર જ ન થઈ. બલખારને બીજી પણ અમુક કાનૂની મુશ્કેલીઓ
પોલીસ રેકોર્ડમાં હતી. એને જેલની સજા થઈ.

પણ હવે શુ? એના તરફથી કમલને પૈસા નહોતા મળવાના. પોતે નોકરી કરી શકે એવી કેળવણી નહોતી.
ત્રણ મહિનામાં બલખારને ભાઈ જેલમાંથી ઘેર લઈ આવ્યો હતો. કમલની જેઠાણી કહેતી રહેતી, “તું પાછી આવી જા. બાલ જેલની હવા ખાઈને બદલાયો છે.” અમને એ બાબત વિશ્વાસ નહોતો તેથી અમે કમલને પાછા ન જવાની સલાહ આપી. ત્યાર પછી એ બાબત અમારી સાથે વાત નહોતી કરતી. પાછા ભારત જ્તાં પહેલા અમેરિકામાં સીટીઝનશીપ માટે અરજી કરાવી દેવાનુ નક્કી કર્યુ. આ બધો ખર્ચ અમારી સંસ્થા અને શેલ્ટર પર નિર્ભર હતો. શુક્રવારે નક્કી કરેલા સમયે હું કમલને લેવા ગઈ. મને જોઈને કહે, “અરે! હું ભુલી ગઈ.” મને માન્યામાં ન આવ્યુ. અમે તૈયાર કરેલ અરજી વગેરે લઈને નીકળ્યા. આગળ જતાં ગભરાઈને બોલી, “મારા પતિની કાર નજીકમાં છે. મારે ક્યાંય નથી જઉં, પાછા ફરીએ.” મને ખબર ન પડી કે એને અરજી કેમ નહોતી કરવી!

રવિવારે ચારુશી એને મળવા ગઈ ત્યારે કમલ જરા શાંત લાગી. સોમવારે સવારમાં આશ્રયગૃહમાંથી ફોન આવ્યો, “કમલ સામાન બાંધી, જવા તૈયાર થઇ ગઈ છે અને એના જેઠાણી લેવા આવી રહ્યા છે.” હવે તો “સંભાળીને રહેજે. પ્રભુ રક્ષા કરે.” એ કહેવા સિવાય બીજી કોઈ સલાહનો અર્થ નહોતો. બે અઠવાડીએ ચારુશી પર ફોન આવ્યો ત્યારે થોડી વાતચીત પછી કહ્યું કે, “આવીને તારા ઘરેણાં લઈ જજે.” દિવસો પછી જેઠની દીકરી સાથે આવી. એને જોઈ ચારુશીની આંખ ભીની થઈ ગઈ. કરમાયેલી અને થાકેલી લાગતી કમલ નજર મિલાવ્યા વગર જવાબ આપતી હતી. ચિંતિત નજર એને જતી જોઈ રહી.

સમાચાર આવ્યા, “કમલ આશ્રયગૃહમાં પાછી આવી ગઈ છે.” હજી તો બે મહિના પણ પૂરા નહોતા થયા અને બલખાર કાયદાથી બંધાયેલો હતો તો પણ મારજૂડ કરી બેસતો. દિવસે દિવસે હેરાનગતિ વધવા માંડી. હવે એણે હોંશિયારીથી રસ્તો કાઢવાનુ વિચાર્યુ. એક દિવસ એ ખુશ હતો ત્યારે કમલ કહે, “તું મને વકીલની ઓફીસમાં લઈ જાય તો તારા સામેની ફરિયાદ પાછી ખેંચી લઈએ.” બલખાર તૈયાર થઈ ગયો. કમલ ત્રણે બાળકો અને ભારે ડાયપરબેગ લઈને વકીલની ઓફીસમાં ગઈ અને બલખાર બહાર કારમાં રાહ જોતો બેઠો. વકીલ મહિનાઓથી કમલનો કેઈસ સંભાળતી હતી તેથી પરિસ્થિતિ સમજતાં એને જરાય વાર ન લાગી. કમલને બદલે પોલીસ ઓફીસરને બહાર આવતો જોતાં એ પલાયન થઈ ગયો.

કમલ અને બાળકોને ભારત મોકલવા માટે કોઈ ઉદાર માણસોની મદદ મેળવી ટીકીટની વ્યવસ્થા કરાવી આપી. એને પરદેશમાં પોતાના સ્વજનો આપે એનાં કરતાં પણ વધારે મદદ, સંભાળ અને સહાનુભૂતિ મળ્યા. ભારત ગયા પછી પણ એની અમેરિકા આવવાની અને ડોલર કમાવાની ઈચ્છા કાયમ હતી.

લગભગ બે વર્ષ પછી ન્યુ યોર્કથી કમલનો ફોન આવ્યો કે, “આન્ટી, હું અંહી એક સારા પંજાબી કુટુંબની મદદથી રહુ છુ અને એમના સ્ટોરમાં કામ કરું છું. થોડા સમય પછી મારા મમ્મી બાળકો સાથે આવશે અને મારી સાથે રહેશે.” એક સંતોષસભર પ્રસન્નતા સાથે અમે કમલને શુભેચ્છા પાઠવી.

-ડો ઇંદિરાબેન શાહ

Leave a Reply

You must be logged in to post a comment.