સંતોષ

રાહુલનું કુટુંબ એક મધ્યમવર્ગનું કુટુંબ હતું. એ બે અને એના બેનો સુખી, સંતોષી સંસાર. નાની નાની વાતોથી એના ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જતો.ઉત્સવો ઊજવાઇ જતા.

એક સંબંધીનું જુનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી વેચવાનુ થયેલું તો રાહુલે થોડી ઘણી બચત હતી એમાંથી એ વસાવી લીધું. ઘરમાં તો જાણે દિવાળી આવી ગઈ..અહાહા.. ચાલો હવે બાજુવાળાના ઘરે ટીવી જોવા નહી જવું પડે.નારિયૅળ ફોડયું, કંકુનો ચાંદલો ને ચોખા નાખીને વધાવ્યું. થોડા સમય પછી સગવડ થતાં કલર ટીવી લીધું. વાહ..હવે કંઇક મજા આવી..વળી આની જોડે તો રીમોટ કંટ્રોલ પણ ખરું. હાશ, હવે વોલ્યુમ ઘટાડવા વારે ઘડીએ ઉભા નહી થવું પડે. પણ, હવે તો ચેનલ વગર ના ચાલે ..એ પણ લીધી. આ ચેનલમાં પિક્ચરો તો એકના એક જ આવે છે. એક કામ કરીએ સીડી પ્લેયર..ના ના, ડીવીડી પ્લેયર જ લઈ લઈએ. ગમે તેમ તડજોડ કરીને એ પણ લાવ્યા. આ ઘરે પિકચરો જોવાની મજા જ ક્યાં આવે? સાઉન્ડ સિસ્ટમ તો હોવી જ જોઈએ ને? આ ટીવી પણ હવે જૂનવાણી જ લાગે છે. માર્કેટમાં કેવા સરસ એલ.સી.ડી નીકળ્યા છે..તે હેં પપ્પા આપણે એ ના વસાવી શકીએ. એ પછી અમને ગેમ્સ રમવા માટે પેલુ બાજુવાળા પપ્પુને ઘરે છે એવું પ્લે સ્ટેશન ના અપાવી શકો?

અને રાહુલ બચતોના કચ્ચરઘાણ કરીને વસાવેલી સામગ્રીઓ સામે જોતા વિચારતો રહ્યો,” આના કરતાં તો મનગમતા પ્રોગ્રામના સમય યાદ રાખીને પાડોશીના ઘરે ટીવી જોતા હતા એમાં વધુ ખુશી મળતી હતી. નાની નાની ખુશીઓ જે એના પરિવારને સંતોષના ઓડકારોથી પ્રસન્ન રાખતી હતી એ આજે આટ આટલી સુખસગવડોની સામગ્રી વસાવવા છતા કોઇ ખુશીનો અહેસાસ નથી કરાવતી. ગમે તેટલી કારમી મહેનત કરો, ગમે એટલા પૈસા કમાઓ બધું ય અસંતોષની આગમાં સ્વાહા થતું જાય છે..આનો અંત ક્યાં આવશે?”

બોધ – નાની નાની વાતો પણ જીવનમાં મોટી ખુશીનો અહેસાસ કરાવી જાય છે. એના માટે કોઇ પૈસાની જરુર નથી પડતી. એ તો તમારી અંદર જ એક ખૂણામાં સંતોષ નામના રેપરમાં છુપાયેલી પડી હોય છે..જરુર છે એને શોધતા શીખવાની.

સ્નેહા પટેલ – અક્ષિતારક

Leave a Reply

You must be logged in to post a comment.