ધરતીનાં તપ

એવું રે તપી રે ધરતી એવું રે તપી,
જેવાં જપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય.
તોયે ન આવ્યો હજુ મેહુલો જતિ ! એવું રે

વન રે વિમાસે, એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે :
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી ! એવું રે

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખાનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં :
આંખોની વીજ એની ઝબૂકી કહીં ? એવું રે

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી
ઘેરી ગંભીર એની આવતાં ક્યાંયે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ? એવું રે

આવોને મેહુલિયો ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો :
અમરતથી હૈયું એનું દિયોને ભરી ! એવું રે

Leave a Reply

You must be logged in to post a comment.