ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો

ઘણાં લોકો સમજતા હોય છે કે દેશ ચલાવવો એ માત્ર સરકારની જ ફરજ છે !!! પણ એવુ નથી. મિત્રો, દેશના બંધારણમાં દરેક નાગરિકને તેના હક સામે કેટલીક ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે આપણાં હક પ્રત્યે વધારે જાગૃત બન્યા છીએ. પરંતુ દેશ પ્રત્યેની ફરજ નિભાવવી એ પણ દરેક નાગરિકનુ કર્તવ્ય છે. ભારતમાં જુજ લોકો સિવાય કોઇ નાગરિકને તેની દેશ પ્રત્યેની ફરજનો ખ્યાલ જ નથી અથવા ભુલી ચુકયા છે. તેથી માત્ર જાણ ખાતર અહી રજુ કરી રહ્યો છું.

ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે છે :

क. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્ર્ધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;

ख. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;

ग. ભારતનાં સાર્વભૌમત્વ, એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;

घ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની ;

ङ. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃધ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ;

च. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ;

छ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;

ज. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ;

झ. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;

ञ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.

*ભારતનું સંવિધાન: કલમ 51- क અનુસાર ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો—”ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ(ગાંધીનગર)

Leave a Reply

You must be logged in to post a comment.