એ સમયની વાત સાંભળ

ધાન જાડાં ફાવતા’તાં એ સમયની વાત સાંભળ,
છાસ ખિચડી ભાવતા’તાં એ સમયની વાત સાંભળ.

નીતર્યાં સુખ લાવતા’તાં એ સમયની વાત સાંભળ.
ઘેર અતિથી આવતા’તાં એ સમયની વાત સાંભળ.

ફેફસા મજબૂત, હ્રદય સાબૂત અને ઉન્નત ઈરાદા,
ચીપિયા ખખડાવતા’તાં એ સમયની વાત સાંભળ.

એકતારો ને મંજીરાના મધુર અસબાબ લઈને,
કાળને હંફાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ખાસ ઝાઝું નહીં ભણેલા, મેલા-ઘેલા, કાલા ઘેલા,
લોક આંબા વાવતા’તાં એ સમયની વાત સાંભળ.

હો ઝળ્યું પહેરણ ભલે એમાં ખુશીથી લઈને ટેભા,
આભને સંધાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગળતી રાતે ઓટલા પર કંઠને વહેતો મૂકીને,
ચાંદને ઝુલાવતા’તાં એ સમયની વાત સાંભળ.

- મીનાક્ષી ચંદારાણા

Leave a Reply

You must be logged in to post a comment.